અમારા વિશે
૭૫ વર્ષથી અડીખમ યોધ્ધાની જેમ લોકચેતનાને ઉજાગર કરતું નડીઆદ કલામંદિર સ્વાતંત્ર્ય સંગ્રામ પૂર્વેની વાત છે. દ્વિતીય વિશ્વયુધ્ધ સમયે ઈ.સ.૧૯૩૯ માં હિન્દુસ્તાન ઉપરાંત સમગ્ર દુનિયા અવઢવમાં ડામાડોળ પરિસ્થિતિનો સામનો કરી રહી હતી ત્યારે ચરોતર પ્રદેશના રંગભૂમિના કલાપ્રેમી ખેડા જીલ્લાના સ્વ. કવિશ્રી ગોવિંદરામ વ્યાસ, શ્રી દેવદાસ પંડયા અને સ્વ. શ્રી મનસુખરામ ઉપરાંત કવિશ્રી બાલકૃષ્ણ વ્યાસ જેવા સાહિત્યના સર્જકો સમા લેખક કવિ અને કલા રસિકોએ હિન્દુસ્તાન રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્યનિષ્ઠ સેવા પરાયણતાને પવિત્ર ફરજ સમજી હૃદય સુપ્ત અંતરાત્મામાંથી જે અવાજ ઉઠયો તે અવાજ લોકજાગૃતિ, લોકચેતનાને ચેતનવંતી બનાવવામાં મુખ્ય ઉદેશ્યને વરેલી સંસ્થા ‘કલામંદિર’ ની સ્થાપના કરવામાં આવી અને આ રાષ્ટ્રીયતાની ચેતના જગાવતી સંસ્થા કલામંદિરના સર્જક–સ્થાપકો ધ્વારા દેશના નાનામાં નાના ગામડા સુધી લોક માનસમાં પ્રેરણારૂપી ચેતનાનું સિંચન કરતી સાદી-સરળ અને લોકભોગ્ય શૈલીમાં નાટકો ભજવવાનું ઉમદા કાર્ય શરૂ કર્યુ હતું.
આમ ચરોતર પ્રદેશના ખેડા જિલ્લાએ સમગ્ર ગુજરાત ઉપરાંત સારાયે હિન્દુસ્તાનમાં નડીઆદની આ કલામંદિર સંસ્થાએ પોતાના રંગભૂમિના કસબીઓની લોકભાગ્ય શૈલીને કારણે આગવું સ્થાન ઉભું કર્યું છે. હિન્દુસ્તાન આઝાદ થયું તે પુર્વેથી એટલે કે ઈ.સ.૧૯૩૯ થી આજદીન સુધી એક અડીખમ યોધ્ધાની જેમ અવિરતપણે કાર્યરત સંસ્થા ‘કલામંદિર’ ખરેખર વિશ્વની અજાયબી સમાન ભારતીય સંસ્કૃતિને, તેના વારસાને જીવંત રાખવાનું બહુમાન તો પ્રાપ્ત થયું છે. પરંતુ વર્તમાન પરીસ્થિતિમાં નડીઆદ રેલ્વે સ્ટેશનની બિલકુલ નજીક આવેલ ‘કલામંદિર’ સંસ્થા આજે અનેક ઝંઝાવાતો વચ્ચે એટલે કે સિનેમા, ટીવી અને વિડીયોના આક્રમણ વચ્ચે પણ સમાજના દુષણોને નાથવાની મહત્વની ભૂમિકા અને તેના ઉદેશ્યને રસિક, મનોરંજક અને લોકભોગ્ય શૈલીના ચોટદાર સંવાદો યુકત નાટકો ધ્વારા લોક માનસને ઢંઢોળવામાં, ચેતનવંતુ બનાવવામાં કાર્યરત છે.
કલામંદિરના કર્મઠ કલાકારોએ પોતાની અભિવ્યકિત ધ્વારા ૧૯૪૨ ની લોકક્રાંતિના જુવાળ સમયે ‘જયહિન્દ’ નામના રાષ્ટ્રીયતાના ઉદેશ્યોને ફળીભુત કરતા નાટકે તેના ચોટદાર સંવાદે એવી લોકચેતના જગાવી કે સુતેલા માણસને તેના આત્માને ઢંઢોળીને દેશભકિત જન્માવી, રાષ્ટ્ર માટે કંઈક કરી છુટવાની તમન્નારૂપી રાષ્ટ્રીયતાની ભાવના જગાડી રાષ્ટ્રભકિતનું ઉમદા કાર્ય આ કલામંદિર સંસ્થાએ કર્યુ હતુ જેને આજે પણ સ્વાતંત્ર્ય સેનાનીઓ એક સંભારણા તરીકે વાગોળે છે.
આવા કલામંદિર સંસ્થાના પાયાના રંગભૂમિના કલાગુરૂ ઓએ રાષ્ટ્રીયતાના સેવાયજ્ઞનને કેવી કઠોર યાતનાઓનો સામનો કરી અવિરત કાર્યરત રાખવામાં જે રીતે ભગીરથ જહેમત ઉઠાવી છે તેનું વર્ણન અકલ્પ્ય છે કેમ કે, સંસ્થાના કલાકારો સ્વખર્ચે અને જે તે વિસ્તારની પ્રજા પાસેથી જુદી જુદી સાડીઓ, લાઈટ નહોતી એટલે પેટ્રોમેકસ અને વિના માઈક સંવાદો બોલી લોકચેતના જગાવવાનું કાર્ય કરતા હતા. તદુપરાંત એક સ્થળેથી બીજે સ્થળે જવા બળદગાડા અથવા તે ન મળે તો બો સામાન ખભે મુકી ચાલતા નિર્ધારીત સ્થળે પહોંચી જતા હતા.
કલામંદિરની સંસ્થાની નાવને વણથંભી જીવંત રાખનાર પ્રજા પોતાનું રક્ષણ જાતે જ કરે છે તેવા ઉચ્ચ અને ઉમદા વિચારોને વરેલા મલાતજના સ્વ. શ્રી શામળકાકા કે જેઓ મુળ ગ્રામરક્ષક દળના પણ પ્રણેતા હતા. તેમની પ્રેરણા માત્રથી સ્વ. કવિશ્રી ગોવિંદરામ વ્યાસે ‘રખેવાળ’ નાટકની રચના કરી અને તેને ગામડે ગામડે ભજવવાની શરૂઆત કરી ત્યારે ગ્રામરક્ષક દળના કાર્યને ખૂબ વેગ મળ્યો. ત્યારબાદ ૧૯૫૧ માં ખેડા જિલ્લા હોમગાર્ડના વડા તરીકે સ્વ. શ્રી મોહનભાઈ શાહ અને સ્વ. શ્રી રમણભાઈ દાવડાવાળાએ કલામંદિરના કલાગુરૂઓ ધ્વારા ‘સૈનિક’ નાટકનું સર્જન કર્યુ, જેનાથી હોમગાર્ડની પ્રવૃત્મિાં જબરજસ્ત વેગ આવ્યો.
જિલ્લાની સાક્ષરભૂમિ નડીઆદમાં અક્ષરરત્નશ્રી નામ મળ્યું. ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ‘ગોમાત્ર’ ની ખૂબ જ લોકપ્રિય નવલકથા ‘સરસ્વતીચન્દ્’ પરથી સ્વ. રસકવિ શ્રી રઘુનાથ બ્રહમભટ્ટે ‘સરસ્વતીચન્દ્ર’ ના ગીતોનું સર્જન કર્યુ અને શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં રજૂ થતા અત્યંત લોકચાહના સહ પ્રતિષ્ઠા મળી જેના કારણે મુંબઈના રાજય મહોત્સવમાં ‘સરસ્વતીચન્દ્’
હેતલક્ષી નાટકોના લેખક:-
શ્રી ગોવિંદરામે ગ્રામજનતાને પણ લક્ષમાં રાખી નાટકોનું સર્જન કર્યુ છે. સંસ્થાના ઉદભવ પહેલા પણ આજ તેમનું ધ્યેય હતું. હરિજનોના પ્રશ્નોને આવરી લેતું તેમનું પ્રથમ ત્રિઅંકી નાટક ‘અછૂત કોણ’ ૧૯૩૯ માં નડીઆદમાં ભજવાયેલું. તે પછી ‘જય હિંદ’ અને ‘ભાઈને માટે’ રજૂ થયાં. આઝાદી પછી દારૂબંધી પર
બરબાદીના પંથે’ લખ્યું. પછી સહકારની ભાવનાને ઓપ આપતું ‘સાચો રાહ’ અને ગ્રામરક્ષક દળની પ્રવૃતિને વેગ આપતું ‘રખેવાળ’ આ બે નાટકો લખ્યા. પછી હોમગાર્ડઝ દળને વેગ આપતું ‘સૈનિક’ નાટક લખ્યું અને પછી ગરીબ ગ્રામજનતાને ચૂસી તાજામાજા થતા કહેવાતા સજજનો પર કટાક્ષ કરતું ‘ધરતીના છોરું’ નાટક આપ્યું અને વૃધ્ધ લગ્ન પર પ્રહાર કરતું હાસ્યરસથી ભરપૂર ‘સમજફેર’ નાટક લખ્યું. પછી કુટુંબનિયોજન પર ‘ભગવાનની માયા’ લખ્યું. આ બધા જ નાટકો સંસ્થાએ અનેક વખત ભજવ્યા છે તથા ગુજરાતના અનેક વખત ભજવાયા છે.
સાહિત્યિક નાટકો :–
શ્રી ગોવિંદરામે ફકત ગ્રામજનતાને લક્ષ્યમાં રાખીને નાટકો લખ્યા છે તેમ નથી પરંતુ ઉચ્ચ પ્રકારના નાટકો પણ તેમણે હાથ અજમાવ્યો છે. સ્વ. શ્રી મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના ‘કાન્તા’ નાટકને તેમણે મઠાળ્યું અને નડીઆદ કલામંદિરે તે મુંબઈ રાજય નાટય મહોત્સવમાં રજુ કર્યું. આ નાટકમાં ઉત્તમ અભિનય બદલ મને તથા અનસૂયા દવેને મુંબઈ સરકારે રૌપ્યચંદ્રકો એનાયત કર્યા. સ્વ. શ્રી ટાગોરના ‘રાજારાણી’ નાટકનો બંગાળીમાંથી ગુજરાતીમાં સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનુવાદ કરેલો છે. આ નાટકમાં શ્રી ગોવિંદરામ વ્યાસે ચાલુ જમાનાને અનુરૂપ ફેરફાર કરી, વધુ નાટયક્ષમ બનાવ્યું અને ટાગોર જયંતિ વખતે તેને ગુજરાત રાજય ટાગોર મહોત્સવમાં સંસ્થાએ રજૂ કર્યુ. આ સમયે ઉત્તમ અભિનય માટે શ્રી ગોવિં દરામને ગુજરાત રાજય તરફથી પ્રમાણપત્ર મળ્યું. એટલે તેઓ ફકત સારા નાટયલેખક જ નથી, પરંતુ ઉત્તમ કલાકાર પણ છે.
ગુજરાત રાજય તરફથી પ્રમાણપત્ર મળ્યું એટલે તેઓ ફકત સારા નાટયલેખક જ નથી પરંતુ ઉત્તમ કલાકાર પણ છે.
પુસ્તક પ્રકાશનો :-
સંસ્થાએ શ્રી ગોવિંદરામના હેતુલક્ષી નાટકોના પુસ્તકરૂપે પ્રકાશન કર્યુ છે. આ નાટકો સંસ્થા ભજવે તો તેની રોયલ્ટી સંસ્થા પાસેથી તેઓ લેતા નથી, કારણકે તેઓ અને સંસ્થા એક જ રૂપ થયા હોવાથી આ સવાલ આવતો નથી. ખાસ કરીને ગુજરાતના હજારો ગામડામાં તેમના નાટકો ભજવાયા છે, એ આનંદની વાત છે. અત્યારસુધી ગુજરાતમાં કોઈ નાટયલેખકના નાટકો, શ્રી ગોવિંદરામના નાટકો જેટલા ગામડામાં તો નહિં ભજવાયા હોય. આજ એમની હેતુલક્ષી નાટય લેખક તરીકેની સફળતા બતાવે છે.
આવા કલાકારો વધુ હોત તો?
શ્રી ગોવિંદરામ વ્યાસ પોતે જ એક જીવંત નાટય શાળા પ્રવૃત્તિ જે કાંઈ કહો તે છે. નડીઆદ અને તેની આજુબાજુ જ નહીં પણ સમસ્ત ગુજરાતમાં તેમણે રચેલ નાટલ કૃતિઓ આજે નાટય પ્રવૃત્તિને સજાગ અને પ્રવૃત્ત રાખી રહી છે. તેમના નાટકો, કલાકારો અને આમ સંસ્થાઓ તેને બિન ખર્ચાળ રીતે ભજવી શકે એવું, એ નાટકોનું એક આગવું અંગ રહેલું છે. માત્ર મૌલિક નાટકોની ખોટ જ તેઓએ નથી પૂરી પણ સજાગ, સભાન અને પ્રમાણિક પ્રયત્નો વડે એ પ્રવૃત્તિ વિકસે, પોતીકા બળ ઉપર નભે તથા પ્રવૃત્તિ સાચી રીતે સંસ્કાર અને સંસ્કૃત્તિને વિકસાવે એ દિશામાં એમના અથાગ પ્રયત્નો હર હંમેશા ચાલુ રહયા છે. આવા થોડાક નિસ્પૃહી અને ઉત્સાહી નાટય કલાકારો જો ગુજરાતમાં વધુ હોત તો આજે ગુજરાતમાં આ પ્રવૃત્તિ ખૂબ જ ફુલી ફાલી હોત એ વિષે મને શંકા નથી.
– શ્રી પ્રતાપ ઓઝા – મુંબઈ
રંગભૂમિનું ગુરૂત્વાકર્ષણ અનેક અપ્રગટ પ્રશ્નોને જીવન માંથી બહાર ખેંચી લાવે છે અને પકડી રાખે છે. કવિ ગોવિંદરામ આવા આકર્ષણના ભોગ બનવી ગયા હોત જે તેમણે ખેડા જિલ્લાની ધરતીને છોડી દઈ-ચાર દિવાલોમાં બંધાયેલી અને બંધિયાર બની ગયેલી રંગભૂમિમાં પેસી ગયા હોત તો. પણ ગામના ચોકમાં ખુલ્લા આકાશ નીચે કામચલાઉ મંચ ઉપર પોતાના નાટકોને રમતા રાખી તેમણે જે શૈલી અપનાવી તે ખુલ્લો અને વિશાળ કક્ષાનો અભિનયમાંગી લે છે. તેમાં વાચીક અભિનયનું પ્રાદાન્ય મહત્વનું બની રહે છે અને તેમાંય શૌર્ય, નિડરતા અને સ્પષ્ટતા અનિવાર્ય તત્વો બની રહે છે, જે ગોવિંદરામે પોતાના નાટકોમાં અપનાવ્યા છે. નાટકોના નામ સાંભળતા જ તેમાંના વિશેષ તત્વોનો ખ્યાલ આવી શકે તેમ છે. દાખલા તરીકે બરબાદીના પંથે’, ‘રખેવાળ’, ‘સૈનિક’, ‘ધરતીના છોરું’, ‘ગામ જાગે તો’ વગેરે નાટકો માત્ર કલામંદિરે ભજવ્યા નથી, પણ આ ગામડાઓમાં હરતાફરતા કલાકારોએ અને સામાજિક સંસ્થા ઓએ આ બધાં નાટકો ભજવ્યાં છે અને તેમાંયે અત્યારના સામાજિક સંદર્ભમાં સ્ત્રી પાત્રો મેળવવા શકય ન હોવાથી સ્ત્રીપાત્રો સિવાયના નાટકો લખ્યા અને ભજવ્યા.
આમ કોઈ મુશ્કેલીઓને ગણકાર્યા વિના તેમણે નાટકો રજૂ કર્યા જ કર્યા. એ બતાવે છે કે આજે જે વિશાળ શકયતાઓ ચારે તરફ દેખાય છે. તેવી સુગમ પરિસ્થિતિ લાવવામાં ગોવિંદરામ કવિના નાટકોનો ફાળો સાચે જ સહાયક નિવડ્યો છે.જયારે જયારે આ ગામડાઓમાં નાટકો ભજવવા જવાનું ઈજન એમને મળ્યું છે ત્યારે તપાસ કરતા માલુમ પડયું છે કે ગોવિંદરામે ચારેતરફ નાટકોની એવી હવા જગાવી છે કે આ ગામોમાં કલાકારોનું હૃદયંગમ સ્વાગત થાય છે.
– શ્રી જશવંત ઠાકર